સર્પોની દૂનિયાના અજીબો-ગરીબ લૂક અલાઈક સર્પો.


"ત્યારે ભાન થયું કે હું જે સાપ સાથે રમકડાની માફક ખેલ કરુ છું તે તો અતિઝેરી એવો ફુરસો છે !"

          સર્પોની દૂનિયાના અજીબો-ગરીબ લૂક અલાઈક સર્પો. સર્પોની ઓળખ કરવામાં થાપ ખાઈ જવાય તો મોત વેંત છેટુ જ છે. 

જેમનું બાળપણ ગામડાઓમાં પ્રાકૃતિક વાતાવરણમાં વિત્યું હોય, કુદરતના ખોળે ખેલીને મોટા થયા હોય, તેમના જીવન બાળપણની મધુર યાદોથી સભર હોય છે. સભર અને હર્યાભર્યા બાળપણના માલિક અમે ક્યારે ગ્રામીણ પ્રકૃતિ રાણીના પ્રેમમાં પડી ગયા એ ખબર જ ન રહી. ધીમે ધીમે અમારા આ પ્રેમ તત્વમાં સમજણ અને વૈચારિક સશક્તિ આવતી ગઈ તેમ તેમ આ ઘટના માત્ર એક પ્રવૃત્તિ કે શોખ ન રહેતાં એક અનોખી વિચારધારા બની ગઈ. શરૂઆતનો પ્રેમ જેમ ઝનૂનની હદે જતો હોય તેમ મારા અને થોડા મિત્રોના સમગ્ર અસ્તિત્વ લીલાં છમ બની ગયેલાં, અમને તમામ જગ્યા પર કુદરત, પ્રકૃતિ, પર્યાવરણ અને તેના વિવિધ પાસાઓ જ દેખાતા . . . અને અમારા કિશોરાવસ્થાના તમામ કપડાં પણ લીલાશ ધારણ કરવા લાગેલાં ! કંઈ પણ પસંદગી કરવાની આવે તો અમે તરત પૂછતા કે "લીલું છે ?" આ ઉન્મેષ પણ સુખદાયક હોય છે. આજે અર્ધી સદીના આરે આવતાં અમારા એ બચપના અને નિર્દોષતા પર અમને જ હસવું આવે છે.

આ ક્ષેત્રની મુગ્ધતા ઓસરતાં વર્ષો લાગેલાં. વર્ષો બાદ યુવાવસ્થામાં સર્પોના આ અનૂઠા ક્ષેત્રમાં અમારા વૈચારિક લેવલ અને પ્રદાનને કારણે અમને સૌથી મોટો સ્વીકાર ત્યારે મળ્યો, જ્યારે એક પ્રાકૃતિક વિષય પરના પુસ્તકનો આસ્વાદ લખતી વખતે શ્રી રઘુવીર ચૌધરીએ મારી સર્પ બચાવવાની પ્રવૃત્તિનો વિશેષ ઉલ્લેખ કરેલો. હવે તમે જ કહો કે આવું થાય તો કોઈને પણ શેર લોહી ચડે જ ને ? ત્યાર બાદ બે ત્રણ સાહિત્યિક કાર્યક્રમોમાં એમને મળવાનું થતાં ત્યારે પણ એમણે બહુ ગંભીરતાથી અને પ્રેમપૂર્વક કહેલું કે "ધર્મેન્દ્ર, તારી પાસે સર્પોની દુનિયાના જે અનુભવોનું ભાથું છે તે ગુજરાતમાં કોઈ પાસે નથી, અને જેમની પાસે એવું જ ભાથું હશે તે લોકો તારી જેમ લખી શકવાના નથી. તો તું સર્પોના તારા અનુભવોને સવિસ્તાર કાગળ પર ઉતાર. એક પુસ્ત્તક બનશે!"

આજે તમે સૌ વાંચકો સર્પો સાથેના મારા અનુસંધાનના સહયાત્રી બન્યા છો તેમાં એક મોટો ફાળો વડીલ શ્રી રઘુવીર ચૌધરી સાહેબના શબ્દોનો પણ છે. પરંતુ એટલી જ અગત્યની વાત છે મારી સર્પો સાથેની યાત્રાની, મને શરૂઆતથી ખ્યાલ હતો જ કે સર્પો અંગેના યોગ્ય વૈજ્ઞાનિક જ્ઞાન વગરની મારી પ્રવૃત્તિ પરંપરાગત રીતે સાપોને પકડતા મદારીથી સહેજ પણ અલગ નહીં રહે, અને એટલે જ મારી પ્રવૃત્તિની શરૂઆત જ ચોરેલા પુસ્તકથી થયેલી. સર્પો અંગે માહિતી મેળવતાં મેળવતાં ઘણું નવું જાણવા મળ્યું. સર્પોની જાતિઓ, તેમના દેખાવની વિવિધતા, તેમના ઝેરના પ્રકારો, આ ઝેરની માનવ પર થતી ઘાતક અસરો વિગેરે વિગેરે. સમય જતાં ખ્યાલ આવ્યો કે સામાન્ય માણસ કરતાં મારે ભાગે સર્પોનો આમનો સામનો વધુ જ થવાનો. તેથી પ્રથમ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને સર્પોની જાતોને ઓળખવાની મથામણ શરૂ થઈ. હવે એક ચૌદ વર્ષના બાળકને એ જમાનામાં ગુજરાતમાં ઓળખાયેલી પંચાવન કરતાં વધુ પ્રજાતિઓને યાદ રાખવી કઠિન તો ગણાય જ. બહુ મથામણના અંતે એક આઈડિયા આવ્યો કે ગુજરાતના કુલ સર્પોની જાતિઓમાં માત્ર ચાર જ માનવ માટે ઘાતક હોય છે, બાકીના બિનઝેરી. એ વખતે એલિમિનેશન મેથડ શું હોય એ ખ્યાલ નહોતો, પરંતુ એવો નિર્ણય કર્યો કે આપણે બધા ઓળખવા કરતાં ચાર ઝેરી સર્પોને ઓળખવામાં ભૂલ થવી ન જોઈએ. એ ચારેય સર્પોના દેખાવ, રંગ, ડિઝાઈન અને એવી આનુષાંગિક બાબતો આંખના માધ્યમથી મન અને હૈયામાં ઉતારી લીધી. એટલે આપણને લાગ્યું કે આપણે તો હવે એક્સ્પર્ટ બની ગયાં! અને હકીકત એ જ છે કે જે ઘડીએ એવું લાગે કે આપણે સર્વજ્ઞ બની ગયાં ત્યારથી આપણી શિક્ષણ ક્ષમતાના દ્વાર બંધ થવા લાગે છે. અને બન્યું પણ એવું જ કઈંક જેણે મારી આંખો ઉઘાડી નાખી અને જીવનનું એક નવુ સૂત્ર સુવર્ણ અક્ષરે અંતરમાં કોતરાઈ ગયું.

સર્પોની જાતિઓ અંગે અને ખાસ તો ઝેરી સર્પોની મારી ઓળખ તો પાક્કી બનેલી, પરંતુ તેના મદમાં એક બાબત ચુકાઈ ગઈ કે સર્પોમાં લૂક અલાઈક્સ એટલે કે અમુક સર્પોની જાતિઓ એવી હોય છે કે જે બિનઝેરી હોવા છતાં તેમની રચના અને દેખાવ અન્ય અતિ-ઝેરી સર્પો જેવી જ હોય છે. સામાન્ય માનવની આંખે બન્ને સરખા લાગે પણ જાણકાર જ એમના વચ્ચેનો ભેગ પારખી શકે. આ સર્પો આમ બિન-હાનિકારક હોવાથી પોતાના શિકરીઓથી બચવા માટે ઝેરી સર્પોનો દેખાવ ધારણ કર્યો હોય છે, જેથી શિકારી તેને પણ ઝેરી સમજે અને તેને રક્ષણ મળે. ગુજરાતમાં આવા બે પ્રકારના લૂક અલાઈક સર્પો છે. એક છે કોમન કેટ સ્નેક જેનો બાહ્ય દેખાવ ઝેરી એવા ફુરસા જેવો જ હોય છે, અને બીજો છે વુલ્ફ સ્નેક એટલે કે વરુદંતિ સાપ જેનો બાહ્ય દેખાવ ઝેરી એવા કાળોતરા જેવો જ હોય છે. મારા સાપો સાથેના અનુભવો તે સમયે ઘણા જ મર્યાદિત હતા, એક એવો અનુભવ થયો કે જેણે મારી આંખો ખોલી નાંખી અને મને જીવન માટે જોખમી એવા કાર્ય પ્રત્યે વધુ સજાગ બનાવ્યો. એક દિવસે અમરેલીના મારા ઘરે બપોરે વાંચતો હતો, અને બહાર શેરીમાં હો હા અને ગોકીરો થયો. કુતૂહલવશ હું જોવા નિકળ્યો કે થયું શું ? બહાર જોયું તો એક નાનકડા સાપને યુવાનો લાકડી પર ચડાવીને હવામાં ઊંચે ઉછાળતા હતા અને એ સાપ હવામાં પંદર વીસ ફૂટ ઊંચેથી નીચે નક્કર જમીન પર પછાડાતો હતો. આવું બે ત્રણ વાર થતાં સર્પ બિચારો ઢીલો-ઢસ થઈ ગયેલો જાણે મરી જ ગયો હોય. મેં એમને રોક્યા અને સાપને ધ્યાનથી જોઈ એને કહ્યું કે "શું કરવા મારો છો યાર, આ તો બિનઝેરી કેટ સ્નેક છે. આમાં ઝેર હોય જ નહીં. લાવો આને હું ગામ બહાર છોડી દઈશ." મેં એ સાપને હળવેથી હથેળીમાં ઉઠાવ્યો અને નાખ્યો મારા લેંઘાના ખિસ્સામાં. એ લોકો ગણગણાટ કરતા કરતા વિખેરાઈ ગયા. મારી મા આ બધું જોઇ રહેલી, હું ઘરમાં ગયો તો ખીજાઇને મને કાઢી મૂક્યો ઘરની બહાર. કહે, જા પહેલાં આ સાપને છોડી આવ. હવે આ હાથમાં આવેલા ખજાનાને એમ તો જલદી છોડી દેવો સહેલો તો નથી ને ? આપણે તો ખિસ્સામાં સાપને લઈને ઉપડ્યા એક મિત્રની ઓફિસે. એમને ખિસ્સામાંથી સર્પ કાઢીને દેખાડ્યો. તો એ મિત્રએ સામે સ્ટુડિયો ચલાવતા એક ફોટોગ્રાફર મિત્રને બોલાવ્યા. તેઓ કેમેરો લઈને આવ્યા અને આપણે ફરીથી એ સાપને ખિસ્સામાંથી કાઢીને ટેબલ પર મૂક્યો. એમણે થોડા દૂરથી ફોટા તો લીધા, પરંતુ એમને નજીકથી ફોટા લેવાની લાલચ જાગી. મેં એ સાપના માથા પર આંગળી મૂકી દબાવી રાખ્યો અને ફોટોગ્રાફરનો કેમેરો ફોકસ થઈ જાય એટલે હું આંગળી ઉઠાવી લઉં, ફોટા પડી જાય એટલે ફરી આંગળી દબાવી રાખું. તેઓએ ઘણા એંગલથી એ સાપના માથાના એકદમ ક્લોઝઅપ ફોટોઝ લીધા અને ખુશ થતા થતા જતા રહ્યા.

મોડી સાંજે હું અને મારો એક બીજો સાપનો જાણકાર મિત્ર એ સાપને ગામ બહાર આવેલા ઉજ્જડ એરપોર્ટ પર છોડવા ગયાં. સાયકલ પાર્ક કરીને ઊંડા ખિસ્સામાં હાથ નાખીને સાપને કાઢ્યો અને ચાંદની રાતના અજવાળામાં શીતળ વાતાવરણમાં પથરાળ જમીનમાં એને છુટ્ટો મૂક્યો. અમે એને જોઈ જ રહેલાં. મુક્ત વાતાવરણમાં સર્પે ઠંડી હવા પોતાના ફેફ્સામાં ભરી અને તેના શરીરમાં જાણે જીવન સંચાર થયો. ધીમે ધીમે સર્પ પોતાના ફેફ્સામાં હવા ભરીને ઝડપથી છોડવા લાગ્યો અને ધીમે ધીમે જલેબીના ગૂંચળાની જેમ પોતાના શરીરને અંદર અંદર ફેરવવા લાગ્યો. શરીરના ભીંગડા જેમ જેમ એકબીજા સાથે ઘસાવા લાગ્યા તેમ એક કરવત લાકડા પર ચાલતી હોય તેવો અવાજ એ શાંત વાતાવરણમાં ગૂંજવા લાગ્યો. આ અવાજ ખાલી મારા કાનમાં જ નહોતો ગયો, પરંતુ આ અવાજે જ્ઞાની હોવાનો મારો ભ્રમ ભાંગી નાખ્યો. મને ત્યારે ભાન થયું કે હું જે સાપ સાથે બપોરનો રમકડાની માફક ખેલ કરું છું તે સાપ બિનઝેરી કોમન કેટ સ્નેક નથી, પરંતુ તેનો લૂક અલાઇક અતિઝેરી એવો ફુરસો એટલે કે સો-સ્કેલ્ડ વાઈપર છે! એ ક્ષણે હું ડરથી ધ્રૂજવા લાગ્યો, આખા શરીરના રૂંવાડા ઊભાં થઈ ગયેલા, અને શરીરે પરસેવો વળી ગયો અને આંખોમાં ઝળઝળીયા આવી ગયેલાં. મારા મિત્રની પણ એ જ હાલત ! અમે એકબીજાને દિલાસો આપતા આપતા ઘરે તો પહોંચી ગયાં, પરંતુ એ પછી ત્રણ ચાર રાત અમને સરખી ઉંઘ નહોતી આવેલી અને સાપ ઓળખવામાં ભૂલ થઈ છે અને દંશી ગયો છે અને અને મૃત્યુ પામવાની તૈયારીમાં છીએ તેવા ડરામણા દુ:સ્વપ્નો આવેલાં !
આ ઘટના પછી મેં નક્કી કરેલું કે સાપ બાબતે જ નહીં, પરંતુ કોઇ પણ વિષયમાં કદી પૂરતું જ્ઞાન મળી ચૂક્યું છે અને આપણે હવે માસ્ટર બની ગયા છીએ એવી હવા કદી આવવા દેવી નહીં. આ તો થયો એક જીવલેણ બનતાં બનતાં રહી ગયેલો આંખ ઉઘાડનારો બનાવ, જેણે મારા મનનાં દ્વાર ખોલી આપેલાં. આવા અનેક બનાવો, ઘટનાઓ અને દુર્ઘટનાઓએ જ મારું જ્ઞાનવર્ધન તો કર્યું પણ મારું મનોઘડતર પણ કરેલું. આહિસ્તા આહિસ્તા એ સર્વે ઘટનાઓના પણ સાક્ષી બનીશું.
અસ્તુ.
- vichar_valonu@yahoo.com

Comments

  1. વિચારું તો પણ કંપારી છૂટી જાય, તમારી શું મન: સ્થિતિ હશે ..! સમજી શકાય છે.

    ReplyDelete
    Replies
    1. આપની કોમેન્ટ પરથી ખ્યાલ આવ્યો કે લેખન સરસ થયું છે . . . ધન્યવાદ

      Delete
  2. सर्प विशे सरळ भाषामा आपश्री सारी समजण आपो छो। धन्यवाद अने अनुमोदना।

    ReplyDelete
  3. સાહેબ આજ પ્રકારની એક ઘટના મારી સાથે ઘટી છે.
    આશરે 2005 માં મારાં સર્પ બચાવવા ના કાર્ય માં મારાં પગલાં હજુ થયાજ હતા અને કોઈ જ્ઞાન ના હતું.
    અને માત્ર એકજ વિચાર મનમાં ચાલતી કે સર્પ ની સૌથી હનીકારક અંગ એટલે એનું માથું.
    અને પકડી લો એટલે આપડે કોઈપણ ભય વગર એને પકડી અને સલામત સ્થળે મૂકી શકાય.
    પણ એક પ્રસંગ એવો બન્યો કે મારાથી વધારે સાપો નુ જ્ઞાન ધરાવતા એક વ્યક્તિ એક એસ્ક્યુ માં ભેગા થઈગયા.
    અને હું એ વ્યક્તિ ની સાપ ને પકડવા ની રીત થી હું પ્રભાવિત થયો હેકડામ શાંતિ થી એ સાપ એ ભાઈ ના હાથ માં આરામ થી ફરતો હતો.
    ત્યારે મેં એ રીત ને કોપી કરી.
    પણ તોડા દિવસો બાદ રાત્રે મને એક ફોન આવતા હું ત્યાં સ્થળ પર જઈ અને જોતા એ સાપ ને મેં એ કોપી કરેલી રીતે પકડ્યો અને એમજ હાથમાં લઇ અને એના વાતાવરણ માંજ પાછો છોડીપણ આવીયો.
    પણ સાલું તકલીફ તો ત્યારે થઇ કે જયારે મને એક સર્પ જ્ઞાન ધરાવતા એક ડોક્ટર પાસેથી જાણવા મળ્યુંકે પેલા જે સાપ હતો એ વરુદંતી એટલે વુલ્ફ હતો અને પછી જે સાપ હતો એ કળતરો એટલે ક્રેટ હતો.
    સાહેબ.
    હું એ સમય ને આજે પણ ભૂલી નઈ શકતો
    😔😔

    ReplyDelete
    Replies
    1. વાહ તો તો તમને સૌથી વધારે સમજાશે આ આર્ટિકલ

      Delete
  4. જોરદાર ધર્મેન્દ્રભાઈ,,,

    ReplyDelete
  5. Once again... Very well written.....🙏🙏

    ReplyDelete
  6. Going by photo, Saw scale and cat snake are look a like... But other two are distinctly different in color... Though pattern are same...

    Request to add it here, if possible

    ReplyDelete
    Replies
    1. આપ સાચા છો . . . પાંતુ આ આર્ટીકલમાં સર્પોની ઓળખ શીખવાડવાનો હેતુ નહોતો પરંતુ સર્પોને ઓળખવામાં જો ચૂક કે ભૂલ થાય તે કેવા પરીણામો આવે તે અંગે ધ્યાન દોરવાનો હેતુ હતો.

      થોડુ જાણતા વ્યક્તિ કાળોતરો અને વુલ્ફમાં ભેદ ઓળખી જાય, પણ મોટાભાગના વ્યક્તિને બેય સરખા જ લાગે.

      Delete
  7. આ ફિલ્ડમાં ન હોવા છતાં સાપોની દુનિયાને જાણવી પસંદ છે. ભય સાથેનું એક થ્રિલ છે. હમેશા આકર્ષે. હું સ્નેક રેસ્ક્યુના ઘણા વીડિયો જોઉં છું. ગમે છે. આપની આ લેખન સિરીઝ રોચક અને માહિતીપ્રદ છે.
    -ઉદય.

    ReplyDelete
    Replies
    1. ઉદયભાઈ . . . આ સીરીઝનો હેતુ જ એ છે કે લોકો સર્પ અંગે વાંચતા-વિચારતા થાય. આના કારણે તેમના પ્રત્યેની નેગેટીવીટી પણ ઘટશે. મારે લોકોને વિચાઅતા કાવા છે. ભલે પાંચ કે દસ ઓકો જ વિચારતા થાય . . . . ધન્યવાદ ઉદયભાઈ . . .

      Delete
  8. ધ. ભાઇ, રૂંવાડા ઊભા થઇ ગયાં આ વાંચીને કે એવા ઝેરીલા સાપને આખી બપોર અને સાંજ તમે ખીસામાં લઇને ફર્યા! વખતે ક્યાંક હડસેલો લાગ્યો હોત, એને કઇંક ભયજનક લાગ્યું હોત તો લેંઘાની આરપાર ડંખ મારતાં કે બહાર આવતાં પહેલી જ તક મળતાં એ તમને ડંખ મારી શક્યો હોત! omg! સાચે જ ખતરનાક ખેલ છે આ! આ અનુભવ પછી પણ તમે એનો કેડો મૂક્યો નહીં પણ તમારી કાબેલિયત માં નિખાર લાવ્યા એ માટે અભિનંદન! કયા બાત!

    ReplyDelete
    Replies
    1. ધન્યવાદ કિશોરભાઈ . . . મારી નિયતી જ એવી રહી છે . . . જે કંઈ શીખ્યો એ બધું આપ-બળે, અનુભવોની એરણ પર ટીપાયો અને થપાટો ખાઈ ખાઈને શીખ્યો . . . સર્પોના ક્ષેત્રમાં મારો સૌથી મોટો ગુરૂ મારી ભૂલો બની છે . . . ભૂલોમાંથી ઈમ્પ્રોવાઈઝેશન કર્યું . . .

      આ ઘટના બની ત્યારે હાર્ડલી સોળ-સત્તરનો હતો. ત્યારે અને આજે પણ એ ઘટના યાદ આવે ને ભયના લખલખા પસાર થઈ જાય છે આખા શરીરમાંથી . . .

      ધન્યવાદ.

      Delete
  9. બાપરે ...રૂંવાડા ખડા થઈ ગયા વાંચી ને.ગજબ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

“તર્કબદ્ધતા અને સંપૂર્ણ અતાર્કિકતા વચ્ચે પ્રવાસ કર્યા કરતા લોકોની આભાસી દુનિયાની બે બાજુ . . . ડાહ્યાલેન્ડ અને ગાંડાલેન્ડ . . .”

જીવનમાં અમૃત છે તો સામે પક્ષે ઝેર પણ છે