આપણાં અમુક રીત-રિવાજોમાં અસ્સલ શાકમાર્કેટ જેવી ફીલ આવે . . . એ રીંગણા લઈ લ્યો, ડુંગળી લઈ લ્યો . . .


================================================

છોકરી જોઈને આશા બંધાવી ગયેલા મુરતીયાના હાથમાં મોટે ભાગે “હા” અથવા તો “ના” કહેવાની છૂટ હોય છે, તો પછી છોકરીની ઈચ્છા અનિચ્છાનું શુ ? એની હા છતાં છોકરો કે એનું કુટુંબ રિશ્તો ઠુકરાવે ત્યારે, એમના સૌના દિલ ઉપર શું શું વિતતું હશે ? મને ત્યાર પછીથી છોકરી જોવા જવાની ઘટના પ્રત્યે જ નફરત થઈ ગયેલી.

================================================

શ્રી રામ ભગવાન મહા વિષ્ણુના સાતમા અવતાર હતાં અને શ્રી કૃષ્ણ ભગવાન મહા વિષ્ણુના આઠમા અવતાર હતા. ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં થયેલો અને શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગના પૂર્વાર્ધમાં થયેલો. આપણા આ બે આરાધ્ય દેવોના ચરિત્રમાં આભ જમીનનો તફાવત હતો એ સૌ ગુણીજનો જાણે જ છે. એક મર્યાદા પુરુષોત્તમ હતા, બીજો જીવાતા જીવન, રાવડી રાઠોડ જેવો નટખટ કન્હૈયો! ભારતીય સંસ્કૃતિની આ જ વસ્તુ અદ્દભુત છે. આપણી કથાઓ હંમેશાં જીવનનું પ્રતિબિંબ પાડે છે. હરેક વ્યક્તિમાં બે આયામ છૂપાયેલાં હોય છે . . . એક ભગવાન શ્રી રામ અથવા આજના હિન્દી  ફિલ્મમાં આવતા સંસ્કારી પુરુષ આલોકનાથ અને બીજો આયામ હોય છે  શ્રી કૃષ્ણ અથવા ફિલ્મી હીરો જેવો નટખટ, રોમેન્ટિક વ્યક્તિનો. પરંતુ આજે રીંગણા-બટાકા લારી સુધી પહોંચતા પહેલાં ત્રેતા અને દ્વાપર યુગ વચ્ચે કોઈને ન દેખાતા એક હળવેથી અવેલા સૂક્ષ્મ પરીવર્તનની વાત કરી લઈએ.

રામાયણ વાંચનાર અને ન વાંચનારને પણ એ વાતની ખબર જ હોય છે કે, સીતા માતાએ "સ્વયં-વર" એટલે કે પોતે જાતે ટકોરા મારીને શ્રી રામને પોતાના પતિ તરીકે ચુઝ કરેલા, યુ નો ? મતલબ કે ત્રેતા યુગમાં આપણા સમાજમાં પુરુષ આંગળી મૂકે એ નારી એની બની ન જતી, પરંતુ નારને પોતાના મનનો માણીગર પસંદ કરવાની સ્વાયત્તતા હતી. ત્યાર બાદ આવ્યો દ્વાપર યુગ જેના અંતભાગે આપણા લાડલા કાનુડાનો જન્મ થયેલો. લગ્ન બાબતે કૃષ્ણના જીવનચરીત પરથી બે યુગ વચ્ચે આવેલા બદલાવોની પણ ઝાંખી મળે છે. એક ઘટના અંગે સૌ જાણે જ છે, કે જેમાં શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાની મરજી જાણ્યા વગર જ તેમના લગ્ન નક્કી કરી નાખેલાં, પરંતુ શ્રી કૃષ્ણ સુભદ્રાજીના અર્જુન પ્રત્યેના પ્રેમને જાણતા હતા અને તેમણે મિત્ર અર્જુન પાસે સુભદ્રાનું અપહરણ કરાવીને હજારો વર્ષ પહેલાં સ્નેહ-લગ્નનો પાયો નાખેલો. પરંતુ પછીથી સમાજમાં સ્ત્રી-પુરૂષનાં પલડાં એકસમાન ન રહેતાં પુરુષ તરફી વધુ ખુકી ગયેલાં. આજ વાતને આજના પરિપ્રેક્ષ્યમાં જાત અનુભવના ટેકે આગળ વધારીએ.

અમે નોકરીએ લાગ્યાં અને બીજા જ મહિનેથી છોકરીયું જોવાના આમંત્રણ, નિમંત્રણ આવવા લાગ્યાં . . . અને અમારા પિતાજી. ખુશખુશાલ. નોકરી કરતાં કરતાં, છોકરી જોવા પાછળ સમય બહુ જવા લાગ્યો. અમે બોલ્યા પિતાજીને કે હમણાં એક-બે વરહ લગન નથી કરવાં. એક મિત્રને અમે ભણવામાં મદદરૂપ થતાં. જો એકાદી કુડી ગમી ગઈ ને સગાઈ પણ નક્કી થઈ જાય તો ડખો થાય. પિતાજી અમારી વાત સમજેલા.

બહુ માંગા આવ્યા, એક દિવસ પિતાજી સાથે આ બાબતે ચર્ચા ચાલતી હતી. તો તિરછું હસતાં હસતાં એમણે મને કહ્યું, "આ બધાં માંગા સમાજમાં મારી આબરૂના કારણે આવે છે ભાઈ . . ." મને શું સૂઝ્યું તો મારાથી બોલાઈ ગયું કે "કાંઈ આબરૂ બાબરુના લીધે નથી આવતા માંગા" તો કે "તયે શું કામ આવતાં હશે ?" મેં કીધું કે "આ તો નોકરીને છે બધું, અને ટ્રાઇ કરવી હોય તો ખાલી સમાજમાં વાત રમતી કરો કે નોકરી કાયમી નથી અથવા તો એવી વાત ફેલાવો કે "જણ"માં "કંઈક" ખામી છે, અને પછી જોવો તમારી આબરુએ કેટલા માંગા આવે છે" અને અમારા પિતાજી જે બગડયા છે અમારા ઉપર . . . !
બે વરહ પછી પાછું શૂળ ઊભું થયું. છોકરીયું જોવા મુરતિયો તૈયાર છે, થનગને છે એવા વાયરા ફેલાયા, અને ચાલુ થયું કન્યા જોવાનું આંધળું કામ. મને તો કોઈ અનુભવ જ નહોતો. પરંતુ છોકરી જોવાનો મારો પહેલો અનુભવ મારા જેવો જ વિચિત્ર હતો. અમરેલી એક ગોરીને જોવા જવાનું થયું. અમે એમના ઘરે પહોંચ્યા તો એક રૂમમાં બેસાડ્યા. એન્ટર થતાં સાવ સામેની સેટી ઉપર હું ને મોટા મામા બેઠાં. આસપાસની તમામ સેટીઓ અને સોફામાં ગોરીના પુરુષ કુટુંબીઓ ઠસોઠસ બેઠેલાં. કાળા હોય, ધોળા હોય કે પછી કાબરચિતરા હોય, તમામ પ્રકારના વાળના પુરુષ માલિકોમાં એક વાત સમાન હતી, બ્રહ્મત્વની છડી પોકારતી શિખા !

અમે બેઠાં, પાણી આવે ત્યાં સુધીમાં કેમ છો કેમ નહીં એવું વારંવાર પૂછાયું. પણ આ તમામ બ્રાહ્મણો હું જાણે બીજા ગ્રહમાંથી આવ્યો હોઉં એમ મારી સામે ને સામે ધારી ધારીને જોઈ રહેલા. મારી નજર ક્યાંક જાય તો એ બધાં પણ ત્યાં જુએ, મારા વાળ સરખા કરું તો મારા હાથ સામે જુએ, હું મારા પગ સામે જોઈ રહ્યો હોઉં તો એ બધાં પણ મારા પગને જોઈ રે, અરે મારી આંગળી સહેજ હલે તો પણ સૌ એ આંગળી સામે જ જોઈ રહે. હું તો મૂંઝાયો બરોબર, મને તો એ નહોતું સમજાતું કે, હું છોકરી જોવા આવ્યો છું કે આ બધા મને જોવા આવ્યા છે! શરમ, સંકોચથી મારું અસ્તિત્વ સાવ ચણી બોર જેવડું થઈ ગયેલું. અંદર અંદર ધૂંધવાયો ને નક્કી કર્યું કે ચલો કુછ તુફાની કરતે હૈ!

એટલામાં જ રૂમ સુધી આવતી ગેલેરીમાં રૂમઝૂમ રૂમઝુમનો મંજુલ રવ સંભળાયો અને મને એક દુષ્ટ આઈડિયા આવ્યો . . . એ રૂમઝુમ દેહ જેવો રૂમમાં પ્રવેશ્યો કે તરત અમે અત્યંત લોલુપ નજરે તેના સાડી ઘેરાયેલા તન-બદનને એના પગના અંગૂઠાથી માથા સુધી જોવાનું ચાલુ કર્યું. એ તો લજાઈ ગઈ, પણ સૌથી મોટો અણુ બૉમ્બ પેલા તમામ ચોટી-ધારકો પર પડ્યો. મારા એકેએક હલન ચલન નિહાળવાને બદલે એક ડોસા પોતાના પગના નખ ખોતરવા લાગ્યા, એક આધેડ બારી બહાર ડાફોળીયા મારવા માંડયા, એક બે ચોટલિયુ તો ઊભી થઈને મંડી હાલવા! મારા મામા પણ લજાઈ ગયેલા.

પછી તો બધું નીતિનિયમ મુજબ પત્યું ને એમના કે મારા તરફથી ના કહેવાઈ.

આ થઈ હળવી વાત, પરંતુ પછીથી એક એવી ઘટના બની, જેના પછી અમુક દિવસો સુધી મારી નીંદ હરામ થઈ ગઈ. આત્મગ્લાનિ થી મારું ચિત્ત અશાંત બની ગયું. થયેલું એવું કે, એક છોકરી જોવા નડિયાદ ગયા અમે. છોકરીનું કુટુંબ ખૂબ મિલનસાર, સરળ અને પ્રેમાળ. નડિયાદી છોકરીઓ કરતાં વિપરીત આ છોકરી શરમાળ અને અંતરમુખી. અમે બે કુટુંબો સરસ ભળી ગયા, હું અને છોકરી બેઠાં, વાતો કરી. પણ ખબર નહીં મને એવું લાગ્યું કે મામલા જમતા નહીં હૈ. બપોરે ભોજન બાદ અમારાથી છાની છાની રીતે છોકરીવાળાએ શ્રીફળ પણ મંગાવી લીધેલું, જેથી "કુમાર" હા પાડે તો રૂપિયો નાળિયેર આપી શકાય. છોકરીના અને તેના કુટુંબીજનોના ચહેરા પરના ઉમંગથી મને લાગેલું કે એમની હા જ છે. અંતે અમે "પછી જણાવીશું" એમ કહી સાંજે નીકળી પડ્યા. એ સમયે એ લોકોના હાવભાવ અને દ્વિધા મારા ચિત્તમાં કોરાઈ ગયાં. આપણે પછીથી ના કહેવાડાવી. આ જવાબ પાઠવી દીધા બાદ કેટલીયે રાત મને ઊંઘ નહીં આવેલી. કારણ કે એ વખતે મને પોતાને જ હું ગુનેગાર જેવો લાગ્યો. છોકરીની ઈચ્છા અનિચ્છનું શુ ? એની હા છતાં છોકરો કે એનું કુટુંબ રિશ્તો ઠુકરાવે ત્યારે એમના સૌના દિલ ઉપર શું શું વિતતું હશે ? મને ત્યાર પછીથી છોકરી જોવા જવાની ઘટના પ્રત્યે જ નફરત થઈ ગયેલી.

આ બનાવો પછી હું વિચારતો થઈ ગયેલો, કે આ કેવું . . . ? શાકભાજી બજારમાં આપણે જઈએ અને કેટલીયે દુકાનો ફેંદી નાખીએ, પછી જયાં સસ્તું અને સારું હોય ત્યાંથી શાકભાજી લઈએ એવી ફીલ આવતી અમને, અને અંદર અંદર થતું કે છોકરી વાળા અને છોકરા વાળા બન્ને શાકભાજીની લારી વાળા જેવા જ હોય છે . . .

એ રીંગણા લઈ લ્યો . . . ડુંગળી લઈ લ્યો . . . નોકરિયાત, વેલસેટ, પોતાની માલિકીના ઘર વાળો . . .  જમાઈ લેવો છે જમાઈ ? લાંબી, પાતળી, દેખાવડી, ભણેલી અને પ્રેમાળ . . . વહુ લેવી છે વહુ ?
.
 - vichar_valonu@yahoo.com


Comments

Popular posts from this blog

“તર્કબદ્ધતા અને સંપૂર્ણ અતાર્કિકતા વચ્ચે પ્રવાસ કર્યા કરતા લોકોની આભાસી દુનિયાની બે બાજુ . . . ડાહ્યાલેન્ડ અને ગાંડાલેન્ડ . . .”

સર્પોની દૂનિયાના અજીબો-ગરીબ લૂક અલાઈક સર્પો.

જીવનમાં અમૃત છે તો સામે પક્ષે ઝેર પણ છે